વિનુભાઈ દેસાઈભાઈ પટેલ…આપણી વચ્ચે નથી રહ્યા.


વિનુભાઈ દેસાઈભાઈ પટેલ…
આપણી વચ્ચે નથી રહ્યા.
તેઓ એક દીર્ઘદ્રષ્ટા,ગાંધીમૂલ્યો સાથે જીવનાર સ્પષ્ટ વક્તા,ઉત્તમ ફોટોગ્રાફર,વિચારક, કર્મશીલ,કોઈ કામમાં નાનમ નહીં.

વિનુભાઈ દેસાઈભાઈ પટેલ


વિઠ્ઠલકન્યા વિદ્યાલયના પ્રથમ આચાર્ય દેસાઈભાઈનાં પુત્ર, દિનશા પટેલના સાળા એવા વિનુભાઈના અક્ષરો મારોળદાર.એક સમયે દિનશા પટેલના તમામ પત્રોના ઉત્તર તેમના અક્ષરે લખાય.
દિનશા પટેલના જીવન અંગે પુસ્તક લેખન વખતે અનેક વાર તેમને મળવાનું થતું. એમપણ વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળના કેમ્પસમાં અમે જયારે રહેતા ત્યારે વારંવાર મુલાકાત થાય.
તેઓ એક ઉત્તમ ફોટોગ્રાફર. કોઈપણ કાર્યક્રમમાં તે ગળે કેમેરો લટકાવેલ જોવા મળે. તેઓ સહુને પ્રેમપૂર્વક મળતાં.સહુની કાળજી લેતાં.પીડિતો,દુઃખીને સાંભળવા તેમને ગમે.તેઓ સહુને હૂંફ આપતાં.
તેઓ,
સમયાંતરે બાળકોને સફાઈમાં ઉભું ઝાડુ કેમનું મારવું તે નિયમિત શીખવતા.
અમે ભેગા મળીયે એટલે ખૂબ વાતો કરતા.તેઓ મારા ઘરે વર્ષો જુના આલ્બમ લઈને આવતા.તેઓ વર્ષો જૂની પોતે પાડેલી તસવીરોના આલ્બમ લઈને આવે અને દરેક તસ્વીરની વિગતે વાત કરે.દરેક તસ્વીર નીચે સરસ મઝાની તસ્વીરને અનુરૂપ પંક્તિ લખતા.
એક પ્રેમાળ કલાકાર કે જેમણે સાદગીમાં જીવી પ્રકૃતિનો આનંદ લૂંટ્યો, અનેકોના આંસુ લુછ્યા અને… સહુને મૂકી ઈશ્વરને શરણે થયા.


અહીં પ્રથમ તસ્વીર વિનુભાઈની અને અન્ય તસવીરો તેમના કેમેરામાં કંડારાયેલી.
તા.05/04/2023