નડિયાદ ખાતે ક્રૂસના માર્ગની ભક્તિ યાત્રા યોજાઈ




તપઋતુના 45 દિવસના સમયગાળા દરમિયાન માનવ મુક્તિ ખાતર પ્રભુ ઈસુએ બેઠેલી યાતનાઓનું સ્મરણ કરીને કૅથલિક શ્રદ્ધાળુઓ દ્વારા, પ્રાર્થના અને પ્રાયશ્ચિત માટે પ્રતિ સપ્તાહ ક્રૂસના માર્ગની ભક્તિ; વિવિધ સોસાયટીઓમાં અને ચર્ચમાં યોજવામાં આવે છે.
નડિયાદ ખાતે ડુમરાલ રોડ પર આવેલા કેથોલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે આજે તા: ૩૦-૦૩-૨૦૨૩ના રોજ ક્રૂસના માર્ગની ભક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કૅથલિક શ્રદ્ધાળુઓએ ભાગ લઈને પ્રાર્થના કરી હતી. ચૌદ સ્થાનમાં વહેંચાયેલી આ ભક્તિ યાત્રા દરમિયાન પ્રભુ ઈસુના અંતિમ સમયના વેદના-પ્રસંગોનું સ્મરણ કરીને; મનન-ચિંતન અને પ્રાર્થના કરવામાં આવે છે. એક નિર્દોષ પયગંબર અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુએ માનવ મુક્તિ ખાતર પોતાના પ્રાણ પાથર્યા એનું સ્મરણ કરીને સારું જીવન જીવવા માટે પ્રેરણા મેળવવામાં આવે છે. સાથે સાથે ત્રીજા દિવસે પ્રભુ ઈસુ પુનઃ સજીવન થયા એ યાદ કરીને ખ્રિસ્તી શ્રદ્ધાનો પાયો મજબૂત કરવામાં આવે છે.
આ પ્રસંગે આદરણીય ધર્મગુરુઓ પૂ. ફા કુમાર, પૂ. ફા. જીગ્નેશ, પૂ. ફા. જોસ્ટન, પૂ. ફા.ફ્રાન્સિસ ઉપસ્થિત રહ્યા હતા. આલફોન્સ ભાઈ, પૉલ ભાઈ, મયંકભાઇ અને તેમની ટીમે ક્વાયર (ભજન મંડળ) સંભાળ્યું હતું. ભક્તિ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શ્રી કાંતિભાઈ પી. પરમાર અને મિશન રોડ પ્રેયરગૃપે કર્યું હતું.