હિંદ છોડો આંદોલનમાં શહીદ થનાર અડાસના 5 શહીદવીરોને શ્રદ્ધાંજલિ


-શૈલેષ રાઠોડ

જલીયાવાલા બાગની મીની આવૃતિ સમાન આણંદ તાલુકાના અડાસ ગામે આજથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે દિલ્હી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરત આવી રહેલ ગુજરાતના પાંચ યુવાઓએ અંગ્રેજોની ગોળીએ શહાદત વ્હોરી હતી. અડાસ ગામે હિંદ છોડો આંદોલનમાં શહાદત વહોરનાર શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ દર વર્ષે ૧૮મી ઓગષ્ટના રોજ યોજવામાં આવે છે. બુધવારના રોજ અડાસ ખાતેના શહીદ સ્મારક ખાતે શહીદોને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.
પૂ.ગાંધી બાપુ દ્વારા અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે શરૂ કરાયેલ હિંદ છોડો આંદોલનમાં ૩૪ યુવાનોની ટીમ દિલ્હીમાં ધ્વજ ફરકાવી પરત ફરી રહી હતી. જેમાં સામેલ ગુજરાતના પાંચ યુવાનોને અંગ્રેજ શાસનના પોલીસ અધિકારીઓ શોધી રહ્યા હતા. દિલ્હીથી મુંબઈ થઈ વડોદરા આવેલ આ પાંચ યુવાનો વડોદરાથી પગદંડી મારફતે આણંદ આવ્યા હતા. દરમ્યાન અડાસ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ ટ્રેનમાં અંગ્રેજ શાસનના પોલીસ અધિકારીઓની નજર આ યુવાનો ઉપર પડતા પોલીસની નજરથી ભાગવા જતા પોલીસ ગોળીબારમાં આ પાંચેય યુવાનો ઘવાયા હતા.

જેમાં ચાર યુવાનો સ્થળ ઉપર જ ઢળી પડયા હતા. જ્યારે એકને પગમાં ગોળી વાગતા ગ્રામજનોએ તેઓને આણંદ ખાતે હોસ્પિટલમાં ખસેડયા હતા.

સ્મારક સ્થળ

અડાસ ખાતેના આ ગોળીબારમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભાદરણના રતિલાલ ગોરધનભાઈ પટેલ, ધર્મજના રમણભાઈ પુરસોત્તમભાઈ પટેલ, બાલાસિનોરના તુલસીદાસ સાકળચંદ મોદી, ચાણસ્માના મણીલાલ પુરસોત્તમદાસ પટેલ અને દહેગામના મોહનલાલ મગનલાલ પટેલને આજે તેમની પુણ્યતિથિએ અડાસ ખાતે આવેલ શહીદ સ્મૃતિ ખાતે ત્રિરંગો લહેરાવી ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.


શહીદી વહોરનારા ચરોતરના વીર

મહાત્મા ગાંધીજીના કરેંગે યા મરેંગે, અંગ્રેજો ચાલ્યા જાવ, નો સંદેશો ગામે ગામ પહોંચાડવા વડોદરાથી નિકળેલ ૩૪ નવયુવાનો પૈકી અડાસ ખાતે ભાદરણના રતિલાલ ગોરધનભાઈ પટેલ (ઉં.વ.૨૩ વર્ષ), ધર્મજના રમણભાઈ પુરસોત્તમદાસ પટેલ (ઉં.વ.૨૦ વર્ષ) અને દહેગામના મોહનલાલ મગનલાલ પટેલ (ઉં.વ.૨૦)ને પોલીસની ગોળીએ વીંધી નાખ્યા હતા અને આ ત્રણ યુવાઓએ અડાસ રેલ્વે સ્ટેશન ખાતે શહીદી વહોરી હતી અને ઘાયલ થયેલ અન્ય બાલાસિનોરના તુલસીદાસ સાંકળચંદ મોદી (ઉં.૨૧ વર્ષ) અને ચાણસ્માના મણીલાલ પુરૂષોત્તમદાસ (ઉં.વર્ષ ૨૦) બીજા દિવસે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય ૨૯ નવયુવાઓ ઘાયલ થયા હતા.

-શૈલેષ રાઠોડ