તહેવાર કે લગ્નમાં દારૂખાનું ફોડવાનું બંધ કરીએ તો…?


દિવ્ય વિચાર :

શું ફટાકડા એ લગ્ન કે તહેવારોની વધામણીનું સુરીલું ગીત છે. શું ફટાકડાના કાનફાડી નાંખે તેવા અવાજથી ઉંમરને ઉંબરે ઉભેલ બીમારીથી પીડાતો વૃદ્ધ,ઘોડિયામાંથી નવી દુનિયાને જોવા થનગનતો બાળક, દુઃખમાં ગરકાવ પરિવાર ધન્યતા અનુભવી નાંચી ઉઠે છે.

ફટાકડા વગર હું ખુશ છું.

આજે જન્મદિવસ હોય કે તહેવાર પ્રસંગ તે યુવાનો માટે ઘોંઘાટની હરીફાઈ અને આંખ બાળે તેવા ભડકાની હરીફાઈ !આનંદની ક્ષણોમાં ફટાકડા ફોડવાની પરંપરા આમ તો જુની છે પરંતુ કેમિકલ્સના વધતા જતા પ્રયોગો પછી જોખમ વધતા જાય છે.પ્રસંગ અને તહેવારો ચોક્કસ આનંદ અને પ્રેમ લઈને આવે છે.પણ, કેટલાક તહેવારો દર્દ અને વેદના પણ લાવે છે.

દારૂગોળા અને ફટાકડાની શોધનો જશ આમ તો ચીનને ફાળે જાય છે પરંતુ ઇસ 1270માં સિરીયાના રસાયણશાસ્ત્રી હસન અલ રમ્માહના પુસ્તકમાં પ્રથમ વાર ઉલ્લેખ થયો હતો.જેમાં બારૂદને ગરમ પાણીમાં શુદ્ધ કરીને વધુ વિસ્ફોટ બનાવવાની વાત કહી હતી.

તહેવારોમાં દારૂખાનું અનેક સ્થળોએ માતમનું કારણ બન્યું છે.ઉત્તરાયણ પક્ષીઓ જ નહીં મનુષ્ય માટે ઘાતક અને એમાંય દારૂખાનું ઉમેરાયું.અસ્થામાના દર્દીઓ દિવાળી આવતા જ મોતની ભીંસ અનુભવે છે.

ઉજવણીનો ઉત્સાહ આજે દેખાડો કરવામાં ફેરવાય ગયો છે જેનો ભોગ જાણે અજાણે અનેક લોકો બની રહ્યા છે.ફાટકડાના ખર્ચનો અડધો હિસ્સો ગરીબ -જરૂરિયાતમંદ પાછળ ખર્ચીએ તો આપણા મનમાં પ્રકાશ પથરાશે.પ્રયોગ કરી જોજો!

નાના બાળકોમાં જાણીતી સાપની ટીકડીમાંથી નિકળતો ધૂમાડો 462 સિગારેટ પીવા બરાબર થાય છે.તેની આસપાસ 2580 આંક જેટલું પ્રદૂષણ ફેલાય છે. દારૂખાનાના કારણે નિકળતો ધૂમાડો,ધ્વની માત્ર મનુષ્ય જ નહીં પણ પ્રકૃતિ,જીવ જંતુ અને માલ મિલકતને પણ અસર કરે છે.

ઇન્ડિયા સ્પેન્ડના રિપોર્ટ મુજબ એક તારામંડળ સળગાવવાથી થતું નુકસાન 74 સિગારેટ પીવા બરાબર છે. જયારે હજાર ટેટા ધરાવતી એક લૂમ ફોડવાથી 464 સિગારેટ ફૂંકવા જેટલું વાયુ પ્રદૂષણ ફેલાય છે. દર વર્ષે ફટાકડાની ફેકટરીમાં કામ કરતા 20 થી 25 લોકોના અક્સ્માતથી મોત થાય છે.

જાણીતા પલ્મોલોજીસ્ટ ડૉ. રાહુલ પ્રજાપતિ જણાવે છે કે,નાઇટ્રોજન ડાયોકસાઇડ,સલ્ફર ડાયોકસાઇડ અને કાર્બન ડાયોકસાઇડ જેવા હાનીકારક પ્રદૂષકોથી દમ અને બ્રોન્કાઇટિંસ જેવી શ્વાસ સંબંધી બીમારી થાય છે.તેમાં તાંબા, કેડેનિયમ, સીસા, મેગ્નેશિયમ,જસત અને સોડિયમ જેવા ઘટકોના કારણે ફટાકડા ફોડવાથી ઝેરી વાયુઓ હવામાં ઉમેરાય છે.તહેવારો સમયે અસ્થમાના દર્દીઓની સ્થિતિ કફોડી બને છે.આ સમયે દર્દીઓની સંખ્યામાં નોંધાપત્ર વધારો થાય છે.

વિદેશમાં તહેવારોમાં દારૂખાનાની જગ્યાએ આકાશમાં લેસર લાઈટ વપરાય છે.શાંત તેજ સાથે મનભાવન પ્રસન્નતા.

ઉજવણીમાં શોભા-સંયમ હોવો જોઈએ. દારૂખાનું અને ઘોંઘાટ કરતું ડી.જે સુંદરતા શોભા હણી લે છે.દિવસમાં અવાજના પ્રદૂષણનું માપ 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલ હોય તે જરૂરી છે.માણસો તથા પ્રાણી 70 ડેસિબલ સુધીનો અવાજ સહન કરી શકે છે.એક નાની લવિંગ્યા ટેટાની લૂમનું પ્રદૂષણ 34 સિગારેટ પીવા જેટલું થાય છે.

પ્રસંગમાં દારૂખાનું ફોડતા અકસ્માતની ઘટનાઓની નવાઈ નથી.ઘરમાં શ્વાસની બીમારીથી પીડાતા સ્નેહી હોય તો દારૂખાનાની ગંભીરતા સમજાય!રોડ ઉપર,ચર્ચ બહાર દારૂખાનાની લપેટમાં CNG કાર ચાલકનો પરિવાર આવ્યો તેમાં તેમનો શું વાંક?

વૃદ્ધ, બીમારને બેદરકાર બની આપણે કેમ વેદના આપીએ છે? આપણો ધર્મ પ્રેમ, શાંતિ અને ક્ષમાનો ધર્મ છે. વિદેશમાં દારૂખાનાનું સ્થાન ફૂલો અને લેસર લાઈટે લીધું છે.થોડી સમજદારીથી આપણે તહેવારોને પ્રેમાળ ઉત્સવ કેમ ન બનાવીએ!

અન્ય ધર્મના તહેવારોને આડંબર ગણીયે છીએ ત્યારે આપણે આપણા પ્રસંગ કે ઉજવણીમાં દારૂખાનાને તિલાંજલિ આપી સાચો સંદેશ ન આપી શકીયે? હજારોનો ખર્ચ કોઈ જરૂરિયાતમંદને ઉજવણીની ખુશીમાં ભેટ આપવા માટે વાપરીએ તો?

ચાલો,દારૂખાનું બંધ કરી અન્યના જીવનમાં ખુશી પ્રગટાવીએ.
-શૈલેષ રાઠોડ