વેકેશન:આનંદમય પ્રવૃત્તિ સાથે શિક્ષણનો અનુબંધ-શૈલેષ રાઠોડ






બાળકો-યુવાનોને દિવાળી અને ઉનાળુ એમ બે મોટા વેકેશનો મળતાહોય છે.આ બધામાં સૌથી મોટું વેકેશન એટલે ઉનાળુ વેકેશન,જેમાં વિધાર્થીઓ નવા વર્ષ કે નવા ધોરણમાં જવાના હોય જુનું ખંખેરી નવા વર્ગ તરફ જવાનું હોય સાચા વેકેશનના મૂડમાં હોય છે.



વેકેશનમાં હવે મામાને ઘરે કોઇ જતું નથી, એ વાત ભૂતકાળ થઇ ગઇ છે.પહેલાના સમયમાં વેકેશન પડે એટલે “મામાનું ઘર કેટલે…દીવો બળે એટલે…!બિસ્તરા પોટલા લઇ તૈયાર.એની મઝા જ કઈ ન્યારી હતી. ધોમ ધખતા તાપમાં ઝાડ પર ચડીને કેરી હોય કે આંબલી-કોલને કાતર ખાવાની સાથે ફળિયામાં નિકળતો ગોલા, ગુલ્ફીવાળાની વાત જ ન્યારી હતી.બાળક આપોઆપ જીવન કૌશલ્યો શીખી જાય.



આજના સ્પર્ધાત્મક યુગમાં વેકેશન કેવું હોવું જોઈએ અને કઈ રીતે તેને માણી શકાય?આ પહેલા બાળકોને માતાપિતા કે શિક્ષક કેટલાક પ્રશ્નો પૂછી વેકેશનનો સાચો અર્થ સમજાવે તે જરૂરી છે.

દરેક શાળા વર્ષના અંતિમ દિવસે પરિણામ સમયે જરૂરી સુચના આપે તેની સાથે વેકેશનમાં શું કરી શકાય તેનું માર્ગદર્શન આપે તો ખુબ જ ઉપયોગી પુરવાર થઇ શકે.આ કાર્ય માતા પિતા પણ કરી શકે છે.



શું વેકેશન એટલે ટીવી-મોબાઈલ-ગેમ??

બાળક માટે વેકેશનનું શું મહત્ત્વ છે?
શું વેકેશનનો સમય માત્ર સ્વતંત્રતા માટે હોય છે?
શું વેકેશન આયોજન વગર નિષ્ક્રિયપણે પસાર કરવાનો હોય છે?
શું વેકેશન માત્ર હરવા-ફરવા અને મોજમજા માટે જ છે?

વેકેશનમાં એવું તે શું કરી શકાય જે જીવન ઉપયોગી હોય?



આ પ્રશ્નોના જવાબ બાળક પાસે હોય છે?જો ના હોય તો તે જણાવવાની ફરજ આપણા સહુની છે.



“હાશ!વેકેશન શરુ.જો કોઈએ મને રોકવાનો નહિ.હું જે કરું તે કરવા દેવાનું.પ્લ્ઝ,કોઈએ ડીસ્ટર્બ ન કરવો.”

આ સંવાદ લગભગ દરેક પરિવારના બાળકોના મુખે જોવા મળે.



એ સ્પષ્ટ છે કે,બાળકો બીબાઢાળ સિસ્ટમથી કંટાળે ત્યારે પોતીકા આનંદની આતુરતાથી રાહ જુએ.વેકેશન એટલે બાળકોની વસંત.બાળકો મ્હોરી ઉઠે.વેકેશનના પ્રથમ દિવસે બાળકના ચહેરાને નિરાંતે મન મૂકી જોજો.તેની રેખાઓમાં અદમ્ય ઉત્સાહ નજરે પડેશે.આ ઉત્ત્સાહ ટકી રહે છતાય કઈક નવું પ્રાપ્ત કર્યાનો આનદ બાળક કે યુવાનને મળે તો વેકેશન સાર્થક.

વેકેશનનો મૂળ હેતુ છે –હળવું થવું- તન અને મનને આરામ આપવો.વેકેશનનો સમય એટલે થોડા સમય માટે પોતાના કાર્યથી અળગા રહી સંપૂર્ણ તાજગી અને હર્ષોલ્લાસ સાથે પસાર કરવાનો સમય.બાળક વેકેશનના પ્રારંભમાં ટીવી-ફિલ્મો-ગેમ ની મસ્તીમાં સામેલ થાય….તો થવા દો….બે ત્રણ દિવસ તેને મન મૂકી મનમાં દબાયેલી ઈચ્છાઓ પૂર્ણ કરવા દો.ધીમે ધીમે તે નવું અને ક્રિયેટીવ કાર્ય શોધવા લાગશે.



સાચો શિક્ષક બાળકને દિશા આપી શકે અને પરિવાર વાતાવરણ.આવા સમયે માતાપિતા તરીકે આપણી જવાબદારી છે,સાચું અને સુંદર વાતાવરણ પૂરું પાડવું.આજના સ્પર્ધાત્મકયુગમાં વેકેશનને આનંદ સાથે ઘડતરનું માધ્યમ બનાવવું જોઈએ. ટેકનોલોજીના સમયમાં આજે કોઈ એક ફિલ્ડમાં જ માહિતગાર હોવું જરૂરી નથી.ખાસ કરીને આજના સમયમાં બાળકોને ઇતર પ્રવૃતિઓ સાથે જોડવા જરૂરી બને છે.મોબાઈલ બાળકને સઘળું મનોરજન પૂરું પડતો હોય બાળક ઘરની ચાર દીવાલમાં જ પોતાનું જીવન જીવવા લાગે તે ઘાતક સાબિત થઇ શકે છે.

એકવાર એક બાળકે પોતાની માને પૂછ્‌યું, મા ! વેકેશન એટલે શું? માએ જવાબ આપ્યો-મને શું ખબર બેટા? હું તો એક મા છું! અર્થાત્‌ મારા જીવનમાં ક્યારે વેકેશન આવ્યું નથી. ભારતમાં ૨૧ ટકા લોકો એવા છે કે જેમને ક્યારેય વેકેશન મળતું નથી કે કામમાંથી વેકેશન પાડતા નથી. એવા લોકોનો વિચાર કરીને વેકેશનનો સમય બરબાદ થતો અટકાવવો જોઈએ.



બાળકો-યુવાનો તેમજ જેમને વેકેશન છે તે સહુ કોઈ વેકેશનનો કઈ રીતે સદુપયોગ કરી શકે?



(1)  મોબાઈલ-ઈન્ટરનેટનો સદુપયોગ:

વેકેશનના સમયમાં મોબાઈલ અને ટીવીનો ઉપયોગ બાળકો ભરપૂર માત્રામાં કરતા હોય છે; પરંતુ એ જ સાધનોનો ઉપયોગ જો સારી બાબતો જોવા-જાણવામાં કરવામાં આવે તો વિદ્યાર્થીઓના જ્ઞાનમાં પણ વધારો થઈ શકે છે. મોબાઈલ,ટીવી અને કોમ્પ્યુટરનો સદુપયોગ કરો. ઇન્ટરનેટ પર યુ-ટ્યુબમાં સારા ગુણવત્તાસભર તમારા કરિયર અને ધ્યેય સંબંધિત વિડિયો જુઓ.વિડીયો-ફોટો એડીટીંગ,ન્યુઝ કે આર્ટીકલ રાઈટીંગ,બ્લોગ ક્રિયેશન શીખી શકાય. આજના AI ના જમાના ટેકનોલોજીના શોર્ટ કોર્ષ તમારામાં જોમ પૂરી શકે,આત્મવિશ્વાસ વધારી શકે.

(2)  સ્કીલ ડેવલોપમેન્ટ:

(3)  બાળકો-યુવાનોએ રસરૂચી અનુસાર વેકેશનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.જેમાં સ્પોર્ટ્સનો ર્શોટ કોચિંગ ક્લાસ,મ્યુઝીક કે ક્રિયેટીવ લેખન સહીત કોઇપણ શોર્ટ ટર્મ કોર્ષ કરી શકાય. યોગાસન-ધ્યાન શીખે અથવા મનગમતી કે જ્ઞાનવર્ધક કોઈ શિબિર યોજાય તો એમાં ભાગ લે તે જરૂરી છે.વેકેશનમાં શોર્ટ ટર્મ કોર્ષ કે સ્કીલ શીખી શકાય છે.નવી-નવી સ્કીલ્સ કે જે ખૂબ જરૂરી હોય જેમ કે પર્સનાલી ડેવલોપમેન્ટ,ક્રિકેટ.ફૂટબોલ, સ્વીમીંગ,ડાન્સિંગ,પેન્ટિંગ,સીંગીંગ,પબ્લીક સ્પીકીંગ વગેરે શીખવા માટે પણ વેકેશનનો સમય ખૂબ જ મહત્ત્વનો છે. એ સિવાય તેઓ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ રસ મુજબ એક્ટિવિટી કરી શકે છે.



(4)  કસરત-ખોરાક અને સ્વાસ્થ્ય:

વર્ષ દરમ્યાન ભાગદોડમાં બાળકો ખોરાક અને કસરત પરત્વે બેદરકાર ખોય છે.વેકેશનમાં હેલ્થ માટે વધુ સારી પ્રવૃત્તિ કરી શકાય.ઉત્તમ પૌષ્ટિક ખોરાકને પ્રાધાન્ય આપવું.સ્વાસ્થ્ય માટે  સવારે એક કલાક મેડિટેશન કે મોનિંગ વોક કે એક્સરસાઇઝ કરવી જોઈએ.જેથી રુટિન બ્રેક થાય, હેલ્થ ઇમ્પ્રૂવ થાય તેમજ થોટ પ્રોસેસ પર કન્ટ્રોલ આવે.શરીર તંદુરસ્ત હશે તો માન પણ તંદુરસ્ત બનશે.

(5)  વાંચન અને તરલતા:

વેકશનમાં પણ ચંચલ અને ચપળ રહો.આળસુ ન બનો.વેકેશનમાં સમયાન્તરે પુસ્તક વાંચન કરવું જરૂરી છે. સારી બાયોગ્રાફી કે ઓટોબાયોગ્રાફી કે પોઝિટિવ એટિટયૂટના વિચારો આપતાં સારાં પુસ્તકો વાંચવા જોઈએ.માતાપિતા સાથે ટ્રેડિશનલ ગેમ્સ રમી શકાય. વેકેશનમાં રુટિન કરતાં કંઈક અલગ જ કરવું.ક્રિએટિવ પ્રોજેક્ટ્સ કરી શકાય. ફેમિલી સાથે સમય પસાર કરો.વેકેશનમાં આળસુ ન બનો પણ દરરોજ સવારે વહેલા ઉઠવાનું રાખો.

(6)  કુદરત અને સમાજની ઓળખ:

બાળકોને ક્યારેક એકલા મૂકી વન અને જનનો પરિચય થવા દો.ખેતરની મુલાકાતે મોકલો.નેચર કેમ્પમાં જવાથી બાળકો ઇકોલોજીનું બેલેન્સ સમજી શકશે.પ્રકૃતિને સમજતો થાય. વર્ષ દરમ્યાન બાળકો સમાજ અને પરિવારજનોથી દુર રહેતા હોય છે એટલે બાળકોમાં સમાજિકતાનો અભાવ જોવા મળે.બાળકો સગા વ્હાલા કે અન્ય સારા લોકોને મળે, સેવા સંસ્થામાં જઈ સેવા કરે,પ્રવાસ થકી પ્રકૃતિની ગોદમાં થોડીવાર તેને માણે,ગ્રામ્ય પરિવેશથી વાકેફ બને તે જરૂરી છે.સારા વ્યક્તિઓ સાથે માનવીય-લાગણીશીલ સંબંધો વિકસાવો.

(7)  જવાબદારીનું ભાન:

બાળક વેકેશનમાં પિતાના વ્યવસાયને કે સ્નેહીઓના વ્યવસાયને સમજે તે જરૂરી છે.આ કાર્યમાં પણ થોડોક સમય ફાળવે તેવું આયોજન કરી શકાય.બાળકોને કારકિર્દી સાથે પરિવાર અને સ્વની ઓળખ થવા દો.સ્વને કેળવવાની અને પરિવારમાં જીવંત રહેવાની તક વેકેશન પૂરું પાડે.વિદ્યાર્થીઓ માતા-પિતાને મદદરૂપ બને એ વેકેશનનો સૌથી મોટો સદુપયોગ કર્યો કહેવાય.મમ્મીને ઘરકામમાં મદદ કરીને હળવાશ આપવી કે પછી પપ્પાની કોઈ નાની-મોટી જવાબદારી સંભાળીને પાર પાડવી તેમના અંતરના આશીર્વાદ મેળવવાની ઉત્તમ તક એટલે વેકેશન.

(8)  કારકિર્દી આયોજન-મૂલ્યાંકન:

સમગ્ર વેકેશનનું પ્લાનીંગ કરવું જરૂરી છે. આગલા ધોરણના પુસ્તકો વાંચવાને ન સમજાય તો શેરીના અન્ય મોટા બાળકો સાથે ચર્ચા પણ કરવી જોઇએ. ટ્રેસ વગરના આ દિવસોમાં ઘણીવાર બાળક આખુ વર્ષમાં ન શીખ્યો હોય તે આ એક માસમાં શીખી જાય છે.આગામી લક્ષ્ય શું છે તે બાળકની દ્રષ્ટિમાં હોવું જ જોઈએ.વેકેશનમાં બાળક મુક્ત મને આગામી આયોજન વિચારી શકે.બોર્ડની પરીક્ષા આપવાના હોય ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ વેકેશનમાં એ બાબતનો ખ્યાલ રાખવો કે આગળ કેવી રીતે જવું છે?કારકિર્દી માટે ઉપયોગી કયા ક્રેક કોર્ષ કરવા? તેના માટે કઈ વસ્તુ અગત્યની રહેશે? તેની પ્રક્રિયા શું હશે? પસંદગી-પ્રક્રિયા શું હશે? કઈ જગ્યાએ અને કેટલી કોલેજો છે? આ બધી બાબતોની માહિતી આ સમય દરમિયાન મેળવવી જ જોઈએ.વાંચન કે એક્સપર્ટના સંપર્કમાં રહી માહિતી એકત્રિત કરવી જોઈએ.



(9)  ધ્યેય નિર્ધારણ:

બાળકને પોતાના ભવિષ્યની ઓળખ હોવી જોઈએ.તેને પોતાનો ધ્યેય સ્પષ્ટ હોય તો સરળતાથી શિક્ષણ કાર્ય કરી શકે.દરેક બાળક વેકેશનમાં ધ્યેય નક્કી કરે અને ભવિષ્યમાં શું કરવા માંગે છે તેની ચર્ચ પરિવારજનો કે પરિચિતોમાં એક્સપર્ટ સાથે કરે.વિદ્યાર્થીઓએ વેકેશનના સમયમાં પણ થોડો અભ્યાસ શરૂ રાખવો જોઈએ.દિવસના અમુક કલાક અગાઉના ધોરણ કે કોલેજ અંગે શિક્ષણકાર્ય શરુ કરવું જોઈએ.



આમ, વેકેશનના સમયનો ઉપયોગ જો સ્વને ઓળખી સદ્‌પ્રવૃત્તિ, સ્વવિકાસ અને પરોપકારને માટે કરવામાં આવે તો વેકેશનનો સમય સાર્થક થયો ગણાય.આશા રાખીએ કે,આ લેખમાં આપેલ વિચારો થકી આપ વેકેશનનો સદુપયોગ કરી કારકિર્દીને નવો ઓપ આપશો.



-શૈલેષ રાઠોડ