સુખદ અંત


સુખદ અંત 
સુખી જીવનનું સરળ સૂત્ર:”પ્રેમ કરતાં રહો.”
એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરવાની સમજ આપનાર ઇસુ ખ્રિસ્ત હોય કે વૃક્ષોને પ્રેમ કરતાં કૃષ્ણ હોય કે મહમદ પયગંબર,તમામ ધર્મો પ્રેમની મહતતા સમજાવે છે.

હઝરત મોહમ્મદ એમના ઘરેથી જ્યારે નીકળતા તો રોજ એમનો એક પાડોશી એમના ઉપર ઘરના છાપરા પર રાખેલ કચરો ફેંકતો. હકીકતમાં તે કોણ જાણે કેમ એમના ઉપર નફરત કરતો હતો. પણ મોહમ્મદ સાહેબ કશું ન કહેતા. તેઓ એક નજર એના પર નાખતા અને હસીને આગળ ચાલ્યા જતા.

એમની આ રીતથી તે વધુ ચિડાતો. તે પણ એની જીદ પર મક્કમ હતો. જોઈએ છે કે છેવટે આ વૃદ્ધ ક્યાં સુધી સહન કરે છે ? આ પરંપરા લાંબો સમય ચાલતી રહી. ન તો મહમ્મદ સાહેબને કદી ગુસ્સો આવ્યો કે ન પાડોશીની નફરત કંઈ ઓછી થઈ.

પણ એક દિવસે આ ક્રમ તૂટ્યો. જ્યારે મોહમ્મદ સાહેબ એ ગલીમાંથી પસાર થયા અને એમના ઉપર કચરો ન પડ્યો, તો એમણે છાપરા તરફ જોયું. પાડોશી હાજર ન હતો. એટલે એમણે બીજા પાડોશીઓ મારફત એની તપાસ કરાવી. જાણવા મળ્યું કે રાતથી જ એની તબિયત સારી નથી. માંદો પડ્યો છે.

મોહમ્મદ સાહેબ ઉપર ગયા. પાડોશીની ખબર પૂછી અને એની તંદુરસ્તી માટે ત્યાં જ બેસીને અલ્લાહની બંદગી કરવા લાગ્યા. આ બધું જોઈને તો પાડોશી પરેશાન થઈ ગયો. તે મોહમ્મદ સાહેબના પગમાં પડ્યો અને પોતાની ભૂલ માટે માફી માગવા લાગ્યો.

મોહમ્મદ સાહેબ કંઈ પણ બોલ્યા વિના એને ભેટી પડ્યા અને આ રીતે વર્ષોથી ચાલતી પેલી નફરતનો સુખદ અંત આવ્યો. પાડોશી મોહમ્મદ સાહેબનો શિષ્ય બની ગયો હતો. જીવનભર તે એમનાં ગુણગાન ગાતો રહ્યો.

પ્રેમમાં જે તાકાત છે તે બીજા કશામાં નથી. પ્રેમમાં દોષ દેખાય જ નહીં અને એટ્લે કહ્યું છે કે પ્રેમ એટલે કઈ પણ અપેક્ષા વગર નું સમર્પણ.wpid-img-20150720-wa0017

 

Leave a comment